Numbers 13

1પછી યહોવાહ મૂસા સાથે બોલ્યા. તેમણે કહ્યું કે, 2“કનાન દેશ, જે હું ઇઝરાયલી લોકોને આપવાનો છું તેની જાસૂસી કરવા માટે તું થોડા માણસોને મોકલ. તેઓના પિતાના સર્વ કુળમાંથી એક એક પુરુષને મોકલ. તે દરેક તેઓ મધ્યે આગેવાન હોય.”

3અને યહોવાહની આજ્ઞા અનુસાર પારાનના અરણ્યમાંથી મૂસાએ તેઓને મોકલ્યા. એ સર્વ પુરુષો ઇઝરાયલી લોકોના આગેવાનો હતા. 4તેઓનાં નામ આ પ્રમાણે છે; રુબેનના કુળમાંથી, ઝાકુરનો દીકરો શામુઆ.

5શિમયોનના કુળમાંથી હોરીનો દીકરો શાફાટ. 6યહૂદાના કુળમાંથી, યફુન્નેનો દીકરો કાલેબ. 7ઇસ્સાખારના કુળમાંથી, યૂસફનો દીકરો ઈગાલ. 8એફ્રાઇમના કુળમાંથી, નૂનનો દીકરો હોશિયા.

9બિન્યામીનના કુળમાંથી, રાફુનો દીકરો પાલ્ટી. 10ઝબુલોનના કુળમાંથી, સોદીનો દીકરો ગાદીયેલ. 11યૂસફના કુળમાંથી એટલે મનાશ્શા કુળમાંથી, સુસીનો દીકરો ગાદી. 12દાન કુળમાંથી, ગમાલીનો દીકરો આમિયેલ.

13આશેરના કુળમાંથી, મિખાયેલનો દીકરો સથુર. 14નફતાલીના કુળમાંથી, વોફસીનો દીકરો નાહબી. 15ગાદના કુળમાંથી, માખીરનો દીકરો ગુએલ. 16જે પુરુષોને મૂસાએ દેશની જાસૂસી કરવા મોકલ્યા તેઓનાં નામ એ હતાં. મૂસાએ નૂનના દીકરા હોશિયાનું નામ બદલીને યહોશુઆ રાખ્યું.

17મૂસાએ તેઓને કનાન દેશની જાસૂસી કરવા મોકલ્યા અને તેઓને કહ્યું કે, ‘’તમે નેગેબની દક્ષિણમાં થઈને ઉચ્ચ પ્રદેશમાં જાઓ. 18તે દેશ કેવો છે તે જુઓ ત્યાં રહેનારા લોક બળવાન છે કે અબળ, થોડા છે કે ઘણાં? 19જે દેશમાં તેઓ રહે છે તે કેવો છે સારો છે કે ખરાબ? તેઓ કેવા નગરોમાં રહે છે? શું તેઓ છાવણીઓ કે કિલ્લાઓમાં રહે છે? 20ત્યાંની જમીન ફળદ્રુપ છે કે ઉજ્જડ? વળી ત્યાં વૃક્ષો છે કે નહિ ? તે જુઓ, નિર્ભય થઈને જાઓ અને તે દેશનું ફળ લેતા આવજો.” હવે તે સમય પ્રથમ દ્રાક્ષો પાકવાનો હતો.

21તેથી તેઓ ઊંચાણમાં ગયા અને જઈને સીનના અરણ્યથી રહોબ સુધી એટલે હમાથની ઘાટી સુધી દેશની જાસૂસી કરી. 22તેઓ નેગેબમાંથી પસાર થયા અને હેબ્રોન પહોંચ્યા. ત્યાં અનાકપુત્રો અહીમાન, શેશાઈ અને તાલ્માઈ હતા. (હેબ્રોન તો મિસરમાંના સોઆનથી સાત વર્ષ અગાઉ બંધાયું હતું.)

23જ્યારે તેઓ એશ્કોલના નીચાણમાં પહોચ્યા. ત્યાં તેઓએ દ્રાક્ષના ઝૂમખા સાથેની એક ડાળી કાપી લીધી. બે માણસોની વચ્ચમાં દાંડા ઉપર લટકાવીને તેને ઊંચકી લીધી. પછી કેટલાંક દાડમ અને અંજીર પણ તેઓ લાવ્યા. 24જે દ્રાક્ષનું ઝૂમખું ઇઝરાયલીઓએ ત્યાંથી કાપ્યું તેના પરથી એ જગ્યાનું નામ એશ્કોલ પડ્યું.

25તે દેશની જાસૂસી કરીને તે લોકો ચાળીસ દિવસ પછી પાછા આવ્યા. 26તેઓ ત્યાંથી મૂસા તથા હારુનની પાસે તથા ઇઝરાયલપુત્રોની આખી જમાત પાસે પારાનના અરણ્યમાં કાદેશમાં આવ્યા. અને તેઓને તથા આખી જમાતને તેઓએ જાણ કરી. અને તે દેશનાં ફળ તેઓને બતાવ્યાં.

27તેઓએ મૂસાને કહ્યું, “તેં અમને જે દેશમાં મોકલ્યા ત્યાં અમે ગયા, તે ખરેખર દૂધમધથી ભરપૂર દેશ છે. અને આ તેનું ફળ છે. 28તોપણ તે દેશનાં લોકો શક્તિશાળી છે તેઓનાં નગરો વિશાળ અને કિલ્લેબંધીવાળા છે. વળી અમે ત્યાં અનાકપુત્રોને પણ જોયા. 29અમાલેકીઓ નેગેબમાં રહે છે. અને પહાડી પ્રદેશોમાં હિત્તીઓ, યબૂસીઓ અને અમોરીઓ રહે છે. અને કનાનીઓ સમુદ્ર પાસે અને યર્દનને કાંઠે રહે છે.”

30પછી કાલેબે મૂસાની પાસે ઊભા રહેલા લોકોને શાંત પાડ્યા અને કહ્યું, ચાલો, આપણે હુમલો કરી તે દેશનો કબજો લઈએ, કેમ કે આપણે તેને જીતી શકવા માટે સમર્થ છીએ.” 31પણ જે માણસો તેઓની સાથે ગયા હતા તેઓએ કહ્યું કે, “આપણે એ લોકો ઉપર હુમલો કરી શકતા નથી. કેમ કે તેઓ આપણા કરતાં વધુ બળવાન છે.”

32અને જે દેશની જાસૂસી તેઓએ કરી હતી, તે વિષે ઇઝરાયલ લોકોની પાસે તેઓ માઠો સંદેશો લાવ્યા.અને એમ કહ્યું કે, “જે દેશમાં અમે જાસૂસી કરવા માટે ફરી વળ્યા છીએ તે તેના વસનારાને ખાઈ જનાર દેશ છે ત્યાં અમે જોયેલા બધા માણસો બળવાન છે. ત્યાં અમે મહાકાય એટલે અનાકના વંશજોને પણ જોયા, તેઓની સામે અમે પોતાની દૃષ્ટિમાં તીડોના જેવા હતા. અને તેઓની નજરમાં અમે પણ એવા જ હતા.”

33

Copyright information for GujULB